લોસ એન્જેલસ 2028 ઓલિમ્પિકની ક્રિકેટ મેચો પોમોના ફેરપ્લેક્સ ખાતે યોજાશે
લોસ એન્જેલસ 2028 ઓલિમ્પિકની ક્રિકેટ મેચો પોમોના ફેરપ્લેક્સ ખાતે યોજાશે
Blog Article
2028માં લોસ એન્જલસ ખાતે યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટ મેચીઝ પણ રમવામાં આવશે, જે અંગે લાંબા સમયથી રાહ જોવાતી હતી. આ ક્રિકેટ મેચીઝ પોમોનામાં રમાશે. આયોજકોએ 15 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે, ક્રિકેટ ફેરપ્લેક્સ તરીકે જાણીતા ફેરગ્રાઉન્ડ્સ ખાતે રમાશે, જ્યાં હંગામી ધોરણે તેની વ્યવસ્થા ઊભી કરાશે.
અંદાજે 500 એકર વિસ્તારમાં ફેલાયેલા ફેરપ્લેક્સમાં 1922થી લોસ એન્જેલસ કાઉન્ટી ફેરનું આયોજન કરવામાં આવે છે. ત્યાં આખા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, કન્સર્ટ, ટ્રેડ શો અને રમતગમત પ્રવૃત્તિઓ યોજાય છે. LA28 ઓલિમ્પિક દરમિયાન તે ક્રિકેટનું કેન્દ્ર હશે, જે ઓલિમ્પિકના 128 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર રમાશે. આ અંગે LA28ના સીઇઓ રેનોલ્ડ હૂવરે જણાવ્યું હતું કે, ‘અમે વિશ્વને એક અદ્ભુત ઓલિમ્પિક ગેમ્સના આયોજનનું વચન આપ્યું છે અને આજે અમને તે યોજના જાહેર કરવામાં ગર્વ થાય છે. લોસ એન્જેલસ રમતગમત, સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ અને મનોરંજનનું કેન્દ્ર છે, અને 2028ની ઓલિમ્પિક માટે પસંદ કરાયેલ દરેક સ્થળે ખેલાડીઓ અને ચાહકોને શ્રેષ્ઠતાનો અનુભવ કરાવવાનો શક્ય પ્રયાસ કરાશે.’વર્ષ 1900માં પેરિસ ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં છેલ્લે ક્રિકેટ મેચ રમાઇ હતી, જેમાં ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સે એક જ વાર બે દિવસીય મેચ રમી હતી. 2028માં જાણીતી T20 ફોર્મેટમાં ક્રિકેટ રમાશે. પુરુષ અને મહિલા બંનેની ટુર્નામેન્ટમાં છ-છ ટીમો હશે, જેમાં દરેક ટીમમાં 15 ખેલાડીઓને રાખવાની મંજૂરી અપાશે.